નેતન્યાહૂની હત્યાનો દાવો ઇઝરાયલે ફગાવ્યો:તેઓ બિલકુલ ઠીક છે; વીડિયોમાં 6 આંગળીઓ દેખાયા બાદ મૃત્યુની અટકળો હતી; UAE માટે અનેક ફ્લાઇટ્સ રદ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક પોસ્ટમાં તેમની હત્યા થઈ હોવાનો અથવા દેશ છોડી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પીએમ કાર્યાલયે તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે.
દાવો કરવામાં આવ્યો હતો કે ઇરાનના હુમલામાં નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે અથવા તેઓ જર્મની ભાગી ગયા છે. પીએમ કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન સુરક્ષિત છે અને આવા સમાચાર ફેક ન્યૂઝ છે.
13 માર્ચે નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો. તેમાં તેમણે કહ્યું કે ઇઝરાયલ ઇરાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.
આ જ વીડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક યુઝર્સે વીડિયોને AI અથવા ડીપફેક ગણાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે, આ અસલી નેતન્યાહુ નથી.
